Blood pumping in Body





તમારા હાથ અને પગ ઉપરની ચામડીને ધ્યાનપૂર્વક જોશો તો તેમાં લીલા રંગની નસો દેખાશે. આ નસોમાં લોહી રહેલું હોય છે. આ નસને નાડી પણ કહે છે, આપણું લોહી હૃદયના ધબકારાના બળથી આ નસોમાં વહેતું હોય છે.

લોહી આખા શરીરમાં ફરીને દરેક અવયવને શક્તિ પહોંચાડે છે અને અશુદ્ધિઓ લઈ લે છે. હૃદયમાંથી નીકળેલું શુદ્ધ લોહી મોટી નળી દ્વારા શરીર તરફ વહે છે અને આગળ વધીને તેની ઘણી બધી શાખાઓ બની છેવટે એકદમ ઝીણી નળીઓ બની આખા શરીરમાં ફેલાય છે.

આ જ રીતે અશુદ્ધ થયેલું લોહી ઝીણી નસોમાં થઈને ક્રમશઃ મોટી નળીઓમાં દાખલ થઈ હૃદયમાં આવે છે અને હૃદયમાં થઈને ફેફસામાં શુદ્ધ થવા જાય છે. આમ આ નસોમાં શુદ્ધ અને અશુદ્ધ એમ પ્રકારના લોહી વહન થતાં હોય છે. શુદ્ધ લોહીને શરીર તરફ લઈ જતી નળીને ધમની કહે છે અને અશુદ્ધ લોહી લઈ જતી નળીને શિરા કહે છે.